Friday, February 22, 2013

ઘર અને મકાન


 ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ ,
બા  બાપુ તો ઘરડાઘરમાં હવે એમના ફોટાઓને નમીએ

               ડોક્ટર નર્સના લાખ પ્રયાસે
                                   બાબાને ફૂટતી  નથી વાણી,
               લાબચામાં લઇ ગયા છે દાદી
                                    સાથે  કરોડ  કરોડ કહાણી 
 હવે, ઘરનું શિક્ષણ  આપે  તેવી દુકાન  દુકાન ભમીએ,
 ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ , 
                             
               અડધી અડધી રાત ભૂખે રહી
                                     હવે કોઈ જોતું નથી વાટ,
               આવ્યો બેટા ! કહી ખુશીની 
                                     ક્યાં કોઈ આપે છે સોગાત !
ખુશીની ખીચડીનો સ્વાદ પામવા હોટલ  હોટલ  જમીએ
ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ ,

               બા  બાપુની ચીજ વસ્તુ આજ
                                        ઘરે બે ફોટા સાથે આવી,
               જાણી ઓળખી ઘરવખરીએ
                          છત દીવાલ સાથે રોકકળ મચાવી 
સતગતના અસ્થિ લેવા શહેરના સ્મશાન સ્મશાન ભમીએ,
 ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ ,


વિપુલ પરમાર

( આશ્રમ રોડ પર આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત બાદ લખાયેલું ગીત )





Tuesday, April 19, 2011

જતન

તું શું જાણે તને પામવા કેટલા જતન કરું છું
ગામ છે તારું એને હવે મારું વતન કરું છું.
તું શું જાણે તને પામવા.....
તું આવશે કે નહી ? એ ન જાણું જરાંપણ,
તારા આવવાની રાહમાં રાતદિન કીર્તન કરું છું.
તું શું જાણે તને પામવા.....
ખૂબ રહે છે ગંભીર તું ને 'હાસ્ય' મારું જીવન છે,
શાયદ ગમી જાય એ એટલે તો ગંભીર વર્તન કરું છું.
તું શું જાણે તને પામવા.....
આ રહી સામે મંઝીલોને બેશૂમાર દોલત પ્રેમની,
પામવા એ દોલત મારું જીવન તને અર્પણ કરું છું.
તું શું જાણે તને પામવા.....

વિપુલ પરમાર 'હાસ્ય'

Wednesday, August 4, 2010

હતું ત્યારે હતું.

કોઈ સવાલ જવાબ ન ચર્ચા, હતું ત્યારે હતું.
રીસાવું, ન મનાવવાના ખર્ચા,હતું ત્યારે હતું.



ન પકડાય, હવે જોવાય જે હાથ, એના માટે
જગ સામે માંડ્યા'તા મોરચા, હતું ત્યારે હતું.



ઘોર અંધશ્રદ્ધા લોકોને મન લાગતી હતી જે
તેના મળ્યા હતા કેવા પરચા! હતું ત્યારે હતું.



કોણ જાણે! હાલ બંને ખવાય સાથ તો મજા
દાળવડા એ, હું ખાતો મરચા, હતું ત્યારે હતું.



ન યાદ, ન મળવાની ઈચ્છા કદી 'હાસ્ય'
કેમ મન કરે એની પુન:ચર્ચા? હતું ત્યારે હતું.

Friday, July 23, 2010

કંઈ જામી છે !

કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !
કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !
નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !
ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !
આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો,કંઈ જામી છે !
બળબળતા સૂરજની ઉપરવટ અકળા ફરતાં'તા 'હાસ્ય'
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !
વિપુલ પરમાર 'હાસ્ય'

Tuesday, July 20, 2010

સાવ મૂંગીમંતર!

મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?
ચાલી ચાલી થાકું તોય
ન મળતો અનો કેડો,
મળી જાય તો બોલાય નહી બાયું
આ તે કેવો નેહ્ડો?
આંખ અને કાન વચ્ચેય આવું દૂર દૂરનું અંતર !
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
વચન વાલમના યાદ કરી
હું છાનુંછાનું મલકું,
મુજમાં આખો સમદર ઘૂઘવે
હું ક્યાં જઈને છલકું?
ચિત્તડું મારું ચકરાઈ ગયુંને બુદ્ધિ થઈ છૂમંતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
લખવામાં એ આવે નહી
ન કોઈ વાણીમાં બોલાય,
બાવન બાવન બોલું પણ
હું થી શબદ ન ઉચરાય!
સાવય એળે ગયું મારું ભંવ આખાનું ભણતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
વિપુલ પરમાર 'હાસ્ય'

Saturday, July 10, 2010

એનું કાઈ નહિ !

ઉંવા ઉંવા અજવાળું, કિલ્લોલ ને ખમ્મા,ખમ્મા,
દોર-વા રોજ કૂપળ ઉંચકાય, એનું કાઈ નહિ !
બાંધકામમાં ક્યાંક નડતર તો ઉખાડો મુળિયા,
નીતનવા માથે માળા બંધાય, એનું કાઈ નહિ !
ધર્મપરિવર્તન તો ધમપછાડા પાછી થાય હોહા,
આ ડાળી ખુરશીમાં બદલાય, એનું કાઈ નહિ !
માણસ મરે તો ઓળખાણની આંખો ભીંજાય,
લીલાછમ્મ રામકૃષ્ણ કપાય, એનું કાઈ નહિ !
એકાદને દીવા ધરાય, બાપડી આખી વસ્તી ખુશ ,
બે બચે, બીજા બાર વધેરાય, એનું કાઈ નહિ !
વિપુલ પરમાર 'હાસ્ય'

Friday, July 9, 2010

બાવો

ક્યારેક તો આછી પાતળી નજર નાખી જાઓ ,
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો
બાવો ક્યારેક ટહુકા કરતો
ક્યારેક કરતો ચીં,
એ મંત્રોથી ઉભરાઈ જતો
રોજ ચારેબાજુથી.
હોંચી, હણહણ નાદ કરને, કદી વગાડે પાવો.
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો.
પરમાર્થ સારું ઉભો રેહ્તો
એનો આખોય અડીખમ સમાજ,
બેઠા કરવા રોજ બીજાને
કરે કેવા કૂણા કૂણા ઈલાજ!
પાડ મને રામ, એવી કંઈ કેટલીય કથાઓ .
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો
હાથ, આંગળી ધડને માથે
કરે લોઢા કેરા ઘા
મારનારને કોણ કહેશે કે
હવે તો માણસ થા.
'હાસ્ય' હવે રોકી દેજો આ ખુદની હત્યાઓ.
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો.
વિપુલ પરમાર 'હાસ્ય'