Friday, February 22, 2013

ઘર અને મકાન


 ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ ,
બા  બાપુ તો ઘરડાઘરમાં હવે એમના ફોટાઓને નમીએ

               ડોક્ટર નર્સના લાખ પ્રયાસે
                                   બાબાને ફૂટતી  નથી વાણી,
               લાબચામાં લઇ ગયા છે દાદી
                                    સાથે  કરોડ  કરોડ કહાણી 
 હવે, ઘરનું શિક્ષણ  આપે  તેવી દુકાન  દુકાન ભમીએ,
 ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ , 
                             
               અડધી અડધી રાત ભૂખે રહી
                                     હવે કોઈ જોતું નથી વાટ,
               આવ્યો બેટા ! કહી ખુશીની 
                                     ક્યાં કોઈ આપે છે સોગાત !
ખુશીની ખીચડીનો સ્વાદ પામવા હોટલ  હોટલ  જમીએ
ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ ,

               બા  બાપુની ચીજ વસ્તુ આજ
                                        ઘરે બે ફોટા સાથે આવી,
               જાણી ઓળખી ઘરવખરીએ
                          છત દીવાલ સાથે રોકકળ મચાવી 
સતગતના અસ્થિ લેવા શહેરના સ્મશાન સ્મશાન ભમીએ,
 ઘર ઘર તો નથી આવડતું, ચાલ  મકાન મકાન  રમીએ ,


વિપુલ પરમાર

( આશ્રમ રોડ પર આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત બાદ લખાયેલું ગીત )